ગુરુ મહિમા શિબિર – અહેવાલ


હરિ ૐ!  કોયમ્બતુર ખાતે “ગુરુ મહિમા” આધ્યાત્મિક શિબિરનું  જ્યારે આયોજન થયું ત્યારથી બધા સાધકો શિબિરમાં જવા માટે ખૂબ આતુરતાથી  રાહ જોઇ રહ્યાં હતાં. પરમધામ થી ૪૫ થી ૮૮ વર્ષ નાં લગભગ ૬૦ જેટલા સાધકોએ આ શિબિરમાં ભાગ લીધો. ચિન્મય ગાર્ડન્સ આશ્રમ કુદરતી રીતે ખૂબ જ અદ્ભૂત છે. પર્વતોથી ઘેરાએલા આ લીલાછમ આશ્રમમાં એક એવી સહજ શાંતિ નો અનુભવ થાય છે  કે જે સાધકોને આધ્યાત્મિક સાધના કરવા માટે ખૂબ અનૂકુળ વાતાવરણ પૂરું પાડે છે.

સ્વામી અવ્યયાનંદજીનાં માર્ગદર્શન હેઠળ, ગુરુમહિમા શિબિરમાં સાધકોને ભગવાન આદિશંકરાચાર્યકૃત, શ્રીદક્ષિણામૂર્તિ સ્તોત્રનાં અધ્યયન અને તેના ઉપર ચિંતન મનન કરવાનો લાભ મળ્યો. આ શિબિર દરમ્યાન બધાય સાધકોને અલગ અલગ ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા. દિવસ ની શરુઆત ભગવાન શ્રીઆનંદનર્તન વિનાયકજીનાં મંદિરમાં શ્રીગણપતિઅથર્વશીર્ષ અને ગુરુગીતાનાં  પારાયણથી કરવામાં આવતી. સવારે અને સાંજે સ્વામી અવ્યયાનંદજી નાં શ્રીદક્ષિણામૂર્તિ સ્તોત્ર પર પ્રવચન વર્ગો યોજાતાં. ખૂબ અઘરા લાગતાં વિષયોને સ્વામીજી તેમની આગવી શૈલીમાં ખૂબ સરળતાથી સમજવતાં. મધ્યાહન સમયે સ્વામીજી દ્વારા વિષયને આધારિત આપેલાં પ્રશ્નોનીમદદથી સાધકો પોત પોતાનાં ગ્રુપમાં  બેસીને સામૂહિક ચિંતન-મનન કરતાં અને પોતાનાં મંતવ્યો સૌ સમક્ષ રજૂ કરતાં. સંધ્યા સમયે ગણેશજીની આરતી કર્યા બાદ સાંજે ૭ થી ૮ દરમ્યાન આધ્યાત્મિક જ્ઞાન સાથે આનંદ મળે તે રીતે દરેક ગ્રુપનાં સાધકો સ્ટેજ ઉપર અભિનય કરતાં.

એક દિવસ સૌએ આશ્રમની ખૂબ નજીક આવેલી ચિન્મય ઈન્ટરનેશનલ  રેસીસડેન્શીયલ સ્કુલની પણ મુલાકાત લીધી અને બાળ્કો સાથે સાંજની પ્રાર્થનામાં ભાગ લીધો. ત્યાં બાળકોને શૈક્ષણિક વિકાસની સાથે આધ્યાત્મિક ઉન્નતિને પણ મહત્વઆપવામાં આવે છે તે જોઈને સૌને ખૂબ આનંદ થયો.  આશ્રમનાં  રમણિય  વાતાવરણની સાથે સાથે સાધકોવે સવાર નાં નાસ્તાથી લઈ ને રાત્રિનાં ભોજનસુધી દક્ષિણ ભારતની સાત્વિક અને પૌષ્ટિક વાનગીઓ નો સૌએ આનંદ માણ્યો.

શિબિરનાં અંતે સૌ સાધકોને  જાણે અઠવાડિયાનો સમય ખૂબજ ઝડપથી વીતી ગયો હોય એમ લાગ્યું. આ શિબિર સૌને માટે અત્યાંત યાદગાર બની ગઈ.

– અહેવાલ શ્રીમતી અરુણાબેન ગોહેલ

Comments are closed.